કાજુ કતરી બનાવવાની રીત

કાજુ કતરી (કાજુ બરફી) એક પરંપરાગત ભારતીય મિઠાઈ છે જેના વગર દિવાળીનો તહેવાર અધૂરો છે. તેને ઘરે બનાવવામાં બહુ મહેનતની જરૂર નથી અને બનાવવામાં પણ સરળ છે. તેને બનાવવા માટે માત્ર ત્રણ સામગ્રીની જરૂર છે – કાજુ, ખાંડ અને એલચીનો પાઉડર. આ મિઠાઈ આમ તો ચાંદીના વરખથી સજાવવામાં આવે છે જેનાથી તેનો દેખાવ આકર્ષક થઈ જાય છે પરંતુ વરખના કારણે તેના સ્વાદમાં કોઈ ફર્ક નથી પડતો. ચાંદીનો વરખ સરળતાથી ભારતીય મિઠાઈની દુકાનમાં મળી જાય છે. આ સરળ વિધિ (રેસીપી) નું પાલન કરીને કાજુ કતરી ઘરે બનાવો.
પૂર્વ તૈયારીનો સમય: ૧૦ મિનિટ
પકાવવાનો સમય: ૧૫ મિનિટ
કેટલા લોકો માટે: ૪
સામગ્રી: |
૧ કપ કાજુ |
૧/૨ કપ ખાંડ |
૧/૪ ચમચી એલચી નો પાઉડર |
૧/૪ કપ પાણી |
ઘી, (થાળી ચીકણી કરવા માટે) |
બનાવવાની રીત:
(જો તમે ફ્રોજન/ફ્રીજમાં રાખેલા ઠંડા કાજુનો ઉપયોગ કરી રહ્યા છો, તો મિકસરમાં પિસતા પહેલા તેને રૂમના તાપમાને લઈ આવો.) એક મિકસર ગ્રાઈન્ડરના નાના જારમાં કાજુ નાખોં અને તેને પીસીને બારીક પાઉડર બનાવો. કાજુને બહુ વધારે ન પીસો નહીતર પાઉડર ચીકણો થઈ જશે. જો જરૂર હોય તો જારની સાઈડમાં ચમચીથી પાઉડર કાઢો અને ફરીથી પીસો.
એક કડાઈમાં મધ્યમ આંચ પર ખાંડ અને પાણી ઉકાળો.
ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત ચમચાથી હલાવતા રહો.
ખાંડ ઓગળ્યા પછી મિશ્રણને ઉકળવા દો. જ્યારે ઉકળ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ અને ચીકણું થવા લાગે ત્યાં સુધી પકાવો.
ગેસની આંચને ધીમી કરો અને કાજુનો પાઉડર અને એલચીનો પાઉડર નાખોં.
તેને બરાબર મિક્ષ કરો.
તેને ચમચાથી સતત હલાવીને મિશ્રણ જ્યાં સુધી ઘટ્ટ થઈ જાય અને એક મોટા ગઠ્ઠા જેવુ થવા લાગે ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ ૫-૭ મિનિટનો સમય લાગશે. તેનાથી બહુ વધારે સમય સુધી ન પકાવો નહીતર કાજુ કતરી કઠણ બનશે.
ગેસને બંધ કરી દો અને તેને ૩-૪ મિનિટ માટે ઠંડુ થવા દો. એક થાળીની પાછળની બાજુ ઘી લગાવીને ચીકણી કરો.
ઘી લગાવેલી સપાટી પર તૈયાર કરેલું મિશ્રણ નાખોં. તમારી હથેળીઓ અને વેલણ ઘી લગાવીને ચીકણી કરો. જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેને થોડું મસળો, તે લોટની જેમ નરમ થઈ જશે. જો મિશ્રણ સૂકું થઈ જાય તો દૂધના થોડા ટીપાં નાખોં.
મિશ્રણને વેલણથી ૧/૩ ઇંચ મોટા ગોળ આકારમાં વણો. સરળતાથી વણવા માટે મિશ્રણની ઉપર બટર પેપર પણ રાખી શકો છો.
તેને ચાકૂનો ઉપયોગ કરીને ચોરસ ટુકડાઓમાં કાપો. તેને ૩-૪ મિનિટ માટે ઠંડી થવા દો. ટુકડાઓને અલગ કરો અને તમારી પસંદની કાજુ કતરીની મજા માણો. વૈકલ્પિક તેની ઉપર ચાંદીની વરખ પણ લગાવી શકો છો. તે રૂમના તાપમાને ૫-૬ દિવસ માટે અને ફ્રીજમાં ૨૦-૨૫ દિવસ માટે સારી રહે છે.
Add comment